શાહબુદ્દીન રાઠોડનાં જોક્
શાહબુદ્દીન રાઠોડ – મુંબઇનો મારો પ્રથમ પ્રવાસ. વનેચંદનો વરઘોડો, શિક્ષકોનું બહારવટુ, આવ ભાણા આવ, નટા જટાની જાત્રા જેવા અનેક હાસ્યપ્રસંગો પીરસનાર Shahbuddin Rathod. આ લેખમાં આપ પ્રસિદ્ધ હાસ્યકલાકારનાં જીવનમાં બનેલ યાદગાર પ્રસંગને માણો. – shahbuddin rathod books pdf, ગુજરાતી હાસ્ય સાહિત્ય, શાહબુદ્દીન રાઠોડ ના જોક્સ, શાહબુદ્દીન રાઠોડ સાહેબ ની વાત, શાહબુદ્દીન રાઠોડ હાસ્ય કલાકાર, શાહબુદ્દીન રાઠોડ જોક્સ, શાહબુદ્દીન રાઠોડ નો ડાયરો, શાહબુદ્દીન રાઠોડ ના જોક્સ આપો, ગમ્મત ગુલાલ શાહબુદ્દીન રાઠોડ,
શાહબુદ્દીન રાઠોડની હાસ્યકથા
શાહબુદ્દીન રાઠોડનાં લેખમાથી
મને મુંબઈ કાર્યક્રમનું આમંત્રણ મળ્યું. અહીંથી સૌરાષ્ટ્ર મેલમાં રવાના થયો. સામે વિરમગામથી મુંબઈની ટ્રેનમાં જગ્યા મેળવવા દોડ્યો. બારી પાસે ગોઠવાઈ ગયો. બેઠાંબેઠાં ભારે ગિરદીમાં મુંબઈ પહોંચ્યો. કાર્યક્રમ તો રાત્રે હતો. આખો દિવસ કાઢવો ક્યાં ? મને મારા મિત્ર મનહરનું નામ યાદ આવ્યું.
આ વખતે થાન આવેલો ત્યારે તેણે સરનામું પણ આપેલું. હું ભૂલેશ્વ૨ ની ગલીઓમાં ગોતતો – ગોતતો મનહરની રૂમમાં પહોંચ્યો. ગામમાં દેણું વધવાથી મનહર મુંબઈ નાસી ગયેલો. ‘ બીજા મુંબઈ જઈ બે પાંદડે થતા હોય તો મને શું વાંધો છે ? હું પણ નસીબ અજમાવી જોઉં ’ – આવું વિચારીને તે અહીં આવેલો. પણ મનહર બે પાંદડે ન થયો તે ન જ થયો. નસીબ આડું જ્યાં પાંદડું ખસે ત્યાં થડ આડું આવીને ઊભું રહેતું.
છતાં એ થાન આવતો ત્યારે મુંબઈની વાતો કરી અમને આંજી નાખતો. ગુજરીમાંથી ઊતરેલાં લૂગડાં ખરીદી એ વટ પાડવા મથતો. શેઠના દીકરાએ આપેલો ફાટેલો થેલો સંધાવી એ ખભે લટકાડીને સ્ટેશને ઊતરતો અને ‘ અહીં ટૅક્સી નથી ‘ એવો અફસોસ જાહેર કરતો. રાત્રે એ વખતે મુંબઈની તાજમહાલ હોટેલ, ગેટ – વે ઑફ ઇન્ડિયા, ચોપાટી, હેંગિંગ ગાર્ડન, લિબર્ટી , મેટ્રો , મરાઠામંદિર સિનેમા અને વિક્ટોરિયા ગાર્ડનની વાતો કરતો, ત્યારે ગામના જુવાનિયાને એમ થતું કે ખરેખર મનહર જીવતરના લહાવા લે છે. આપણે તો અહીં આયખું ટૂંકું કરીએ છીએ. ’
મનહર અમારા તુચ્છ જીવનને જોઈને કહેતો, ‘ કોક દિવસ બહાર નીકળો. દુનિયા જુઓ. એ સ્ટીમરો , વિમાનો ઈલેક્ટ્રિક ટ્રેનો જુઓ. ’ મને મનહરની બધી વાતો યાદ આવી.
હું પહોંચ્યો તેને ત્યાં, પણ પહોંચીને હું તો હેબતાઈ ગયો. દસ બાય દસની રૂમ. એમાં પાછો કબાટ , રસોડું , નાનકડી ચોકડી , પડખે પાળ , માથે ગોળો. પ્રાઈમસ અને રસોઈનાં ડબા – ડબલીઓ બધું ખાટલા નીચે. ઉઘાડા શરીરે ટૂંકી લીટાવાળી ચડ્ડી પહેરીને મનહર પથારીમાં પડ્યો – પડ્યો ‘મુંબઈ સમાચાર ’ વાંચતો હતો, એમાં હું દાખલ થયો.
મને જોઈને મનહરના મોતિયા મરી ગયા. મુંબઈની જાહોજલાલી ને બદલે જીવતરની વરવી વાસ્તવિકતા સામે આવીને ઊભી રહી. મનહરે હસવાનો પ્રયાસ કર્યો. ખાટલામાં પગ સંકોચી મને બેસવા જણાવ્યું. પ્રાઈમસ માથે ઊકળતી ચાની તપેલી ટપીને હું ખાટલામાં સંકોચાઈને બેઠો. તેની પત્નીએ નિર્લેપભાવે મારી સામે જોયું. મનહરે પૂછ્યું , ” ક્યારે આવ્યો ? ”
મેં કહ્યું , ‘ અત્યારે સવારના મેલમાં ઊતરીને સીધો અહીં આવ્યો. ‘
મનહર કહે , ‘ કાગળપત્ર તો લખવો’તો. આ મુંબઈ છે. અહીં આ પ્રમાણે ન અવાય અહીં લોકોને હજાર કામ હોય. લે, ચા પી. ’
મેં ચા તો પીધી પણ ગળે ન ઊતરી. મેં કહ્યું , ‘ મારે તો વજુને મળવા જવું છે. આ તો તું કાયમ કહેતો હતો, તે મનેય થયું, મુંબઈની મોજ માણી લઈએ. ‘
હું અહીં રોકાવાનો નથી એ જાણી મનહરને આનંદ થયો. ચા પીને મેં વાલકેશ્વર જવાની માહિતી મેળવી અને મહંમદઅલી રોડ પરથી બસમાં બેઠો. સીધી વાલકેશ્વર પહોંચ્યો ટૅક્સીના પૈસા નહિ. ‘અજાણ્યું શહેર. રાત સુધી ક્યાં રહેવું ? શું કરવું ’ – એ વિચારોમાં હું વાલકેશ્વ૨ના રસ્તા પર ચાલવા મંડ્યો. બગીચાના બાંકડે કોઈ ના નહિ પાડે અને લારીમાંથી હળવો નાસ્તો કરી દિવસ કાઢી નાખીશ – એમ વિચારતો – વિચારતો હું ચાની લારીએ ઊભો રહી ગયો. અર્ધી ચાનો ઑર્ડર આપી જ્યાં રસ્તા પર મેં જોયું ત્યાં હાથમાં શાકની થેલી સાથે વજુને મેં જોયો.
વજુ મને જોતાં જ ભેટી પડ્યો. મને કહે , ‘ તું અહીં ક્યાંથી ? ’ મેં મારી વીતકકથા વર્ણવી.
વજુ કહે , ‘ જરાય મૂંઝાઈશ નહિ. ‘ ચાનો ઑર્ડર કૅન્સલ કરાવી મને એના રૂમે લઈ ગયો.
એક બંગલાના કંપાઉન્ડમાં જ લાઈનસર રૂમો આવી હતી. વજુની રૂમ મોટી હતી, સ્વચ્છ હતી. એમાં એક પથારી હતી, એક ખુ૨શી. મને વજુએ પલંગ પર બેસાડ્યો અને બહાર નીકળી કોઈને હાક મારી થોડી સૂચનાઓ આપી પાછો ફર્યો.
થોડીક વારમાં બે કપ ચાની કીટલી અને બે નાસ્તાની પ્લેટ આવી. મને નવાઈ લાગી. વજુ કહે , ‘ લે, નાસ્તો કર, ચા પી, પછી આપણે વાતો કરીએ. ’ મેં ખાખરા , ગાંઠિયા , ચેવડો – બધું ઉકેલી મૂક્યું. ઉપરથી મારા અને વજુના બબ્બે પેંડા પણ ખાધા. પછી પાણી પીને ચા પીધી.
મેં કહ્યું , ‘ વજુ , આવી ચા મેં તો જિંદગીમાં કોઈ દી પીધી નથી. ’
વજુ કહે , ‘ શેઠ માટે બને છે એ જ આ ચા છે. લે, હવે સામે લાઈનસર બાથરૂમ છે. સંડાસ પણ છે. તું તૈયાર થઈ જાય પછી આપણે ફરવા જઈએ. ’
મારી પાસે એક જ જોડી કપડાં હતાં. એ જો અત્યારે પહેરું તો સાંજે શું કરીશ – એ ચિંતા મને હતી.
વજુ કહે , ‘ એમાં શું મૂંઝાઈ ગયો ? જો , આ ટુવાલ , દાઢી કરવાનો સામાન અને આ સાબુ. આ મેલાં લૂગડાં અહીં કાઢતો જા. સાંજ સુધીમાં એ ધોવાઈને ઇસ્ત્રી પણ થઈ જશે. ’
હું જાજરૂ જઈ આવ્યો. પછી હાથે દાઢી કરી. બાથરૂમમાં સુગંધી સાબુથી નાહ્યો. વજુ પણ તૈયાર થઈ આવી ગયો. અમે બહાર નીકળ્યા. વજુએ હાક મારી મોટર લઈ નીકળતા એક યુવાનને રોક્યો.
યુવાને પૂછ્યું , ” શું છે , વજુકાકા , તમારા મહેમાન છે ? ”
વજુ કહે. ‘ હા. અમને ગેટ – વે ઑફ ઇન્ડિયા ઉતારી દે. ’
યુવાનનું નામ મૂકેશ હતું, એ શેઠ ગિરધારીલાલનો પુત્ર હતો. એણે અમને ગેટ તે ઑફ ઇન્ડિયા ઉતાર્યા. મેં દરિયો, વહાણો, સ્ટીમરો, નાનાં હોડકાં – બધું મન ભરીને જોયું. તાજમહાલ હોટલ જોઈ. મને વજુએ ફ્લોરા ફાઉન્ટન, મ્યુનિસિપલ કૉર્પોરેશનનું બિલ્ડિંગ, વી. ટી. સ્ટેશન, રાજાબાઈ ટાવર, હાજી અલી, મમ્બાદેવી, બાબુલનાથ – ઘણું દેખાડ્યું. જોવા જેવું ઘણું અમે જોઈ નાખ્યું.
બપોરના બે વાગ્યા. અમે વજુની રૂમે પાછા ફર્યા. ઉત્તમ પ્રકારનું ભોજન જમ્યા આખી રાતનો પ્રવાસનો થાક , ઉ૫૨થી વજુએ મુંબઈમાં ફેરવ્યો એનો થાક બધો ભેગો થવાથી હું ઘસઘસાટ ઊંઘી ગયો. વજુએ સાંજે મને ઉઠાડ્યો.
બપોરે ઊંઘવાથી બધો થાક ઊતરી ગયો અને ગધેડું ઉકરડામાં આળોટી પાછું લહેરમાં આવી જાય એમ હું લહેરમાં આવી ગયો. વજુ મને કહે , ‘ એલા, “ મુંબઈ સમાચાર’’માં તમારા ડાયરાની જાહેરાત છે , જોઈ ? ’
મેં છાપું એના હાથમાંથી લઈ લીધું અને જાહેરાત વાંચી. લાખાભાઈ, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, નટવરગિરિ ગોસ્વામી, હાજી ટપુભાઈ અને નાનજી મિસ્ત્રીનાં નામો હતાં. મારું નામ પણ હતું. હું ફરીફરી લખાણ વાંચી ગયો. આવાં મોટાંમોટાં કલાકારો સાથે મારું નામ છપાયેલું જોઈને હું બહુ ખુશ થયો.
વજુએ ફરી ચા મંગાવી. અમે ચા પીધી. ત્યાં મૂકેશ આવ્યો. એણે કહ્યું, ‘ વજુકાકા , બાપુજીને અને બાને ડાય૨ો જોવા જવું છે, પણ ટિકિટ મળી નથી. હવે તમે બિરલા હૉલ પર જઈ આવો અને ગમે તેમ કરી બે ટિકિટ લઈ આવો. જો વધુ મળે તો મારે અને જગદીશને પણ આવવું છે. પાંચ ટિકિટ મળે તો સ્મિતા પણ આવી શકશે.
વજુને અચાનક ઝબકારો થયો. તેણે કહ્યું, ‘ મૂકેશ, આ મહેમાન કોણ છે, તને ખબર છે ”
મૂકેશે મારી સામું ધારીને જોયું અને કહ્યું, ‘ ના, હું નથી ઓળખતો. ’
વજુ કહે, ‘ આજના ડાયરાના કલાકાર છે – શાહબુદ્દીન રાઠોડ.’
મૂકેશ તો રાજીનો રેડ થઈ ગયો. એ તરત અમને ગિરધારીલાલ શેઠ અને કમળા શેઠાણી પાસે લઈ ગયો. શેઠને પરિચય આપ્યો. મેં ગામઠી ભાષામાં થોડી વાતો કરી એ શેઠને બહુ ગમી.
શેઠ મૂળ લુણસરના છે એ જાણી મને સ્વજનને મળ્યા જેટલો આનંદ થયો. શેઠે વજુને સૂચના આપી, મારો સામાન શેઠના રૂમની બાજુના રૂમમાં મૂકવા જણાવ્યું. વજુને પણ મારી સાથે રહેવાની ભલામણ કરી.
વજુ હતો તો આ ઘરનો નોકર, પણ પરિવારનાં સભ્યો અને કુટુંબીજન જ ગણતાં. વજુને અચાનક વિચાર આવ્યો. એણે શેઠને પૂછ્યું, ‘ આપણે કેટલી ટિકિટ મંગાવવી છે ?
વજુએ જાહેરાતમાંથી કરણીદાન ગોપાલજી ગઢવીનો નંબર ગોતીને ફોન કર્યો. સામેથી ક૨ણીદાનભાઈનો અવાજ આવ્યો એટલે એણે કહ્યું, ‘ ઝટ પાંચ ટિકેટનું કહી દે. ‘
મને ફોનમાં કેમ વાત કરવી એ મૂંઝવણ હતી, છતાંય હિંમત રાખી કહ્યું, ‘ કરણીદાનભાઈ, મારા ખાસ સંબંધી શેઠના પરિવારનાં પાંચ જણાંને ડાયરામાં આવવું છે. ગમે તેમ કરીને પાંચ ટિકિટનું કરી દ્યો.
કરણીદાનભાઈએ કહ્યું, ‘મહેમાનો માટે રીઝર્વ રાખી છે, એમાંથી હું આગલી હરોળમાં પાંચ ટિકિટ રખાવું છું. તમે સાડા – આઠ સુધીમાં પહોંચી જાવ. ’ બાકીની વાત વજુએ કરી લીધી. બધાંને તૈયાર થવાની સૂચવા અપાઈ ગઈ.
હું અને વજુ નવા રૂમમાં આવ્યા સફેદ દૂધ જેવા લેંઘો અને ઝભ્ભો ટેબલ પર પડ્યા હતા. હું મારાં કપડાં ઓળખી ન શક્યો એવાં ધોવાઈને આવ્યાં હતાં. હું તો એમ ને એમ પહેરવા જતો હતો ત્યાં વજુએ કીધું, ‘ એ મૂરખ ! નાહીને પહેર. અહીં મુંબઈમાં માણસો સાંજે ફરીને નાહીધોઈ તૈયાર થાય છે, સમજ્યો ? હું ફરીને નાહ્યો. કપડાં પહેર્યાં. મૂકેશે આવીને મારી સામે કાચની શીશી રાખી ઢાંકણું દબાવ્યું, પણ જે સુગંધ વછૂટી છે તે મારે ને સ્વર્ગને હાથવેંત જ છેટું રહ્યું.
અમે તૈયાર થયા. હળવું ભોજન લીધું. વજુ મને કહે, ઝાઝું ખાઈશ નહિ. તારે બોલવાનું છે. ખાલી ઢોલ વાગે સારો, સમજ્યો ? ”
શેઠે મને અને વજુને મોટરમાં પાછલી સીટમાં બેસાડ્યા. બે મોટરો રવાના થઈ. અમે બિરલા માતૃ સભાગૃહે આવી પહોંચ્યા. મોટરો ઊભી રહી. અમે ઊતર્યા.
ગિરદીમાં મેં મનહર અને શાંતાભાભીને પણ જોયાં મને સફેદ લૂગડાંમાં સજ્જધજ્જ થઈને મોટરમાંથી ઊતરતો જોઈને મનહરનું મોં પડી ગયું, છતાં એ મારી પાસે આવ્યો અને કહ્યું, ‘ હું તારા માટે ગોઠવણ કરું ત્યાં તું નીકળી ગયો ! હવે જો, મારે અને તારાં ભાભીને ડાયરો સાંભળવા આવવું છે, પણ ટિકિટ મળતી નથી. ’
હું બોલું એ પહેલાં વજુએ કહ્યું, આ મુંબઈ છે. ટિકિટ વેળાસર લઈ લેવી જોઈએ એટલી તમને લોકોને ખબર નથી પડતી
‘ આ મુંબઈ છે … ’ એક જ દિવસમાં આ જ વાક્ય બે વાર સાંભળવા મળ્યું. મેં કહ્યું, ‘ પાંચ ટિકિટની જોગવાઈ કરી. હવે મારું ગજું નથી. પણ કાંઈક મહેનત કરુ છુ. મેં લાખાભાઈને વાત કરી. અમારાં બધાં કલાકારોમાં લાખાભાઈ ગઢવી અનુભવી અને ઠરેલ કલાકાર ગણાતા. એમણે કહ્યું, ‘ હાઉસફુલ છે, પણ અંદર સ્ટેજની બાજુમાં બેસે તો વાંધો નથી. હાલો મારી સાથે. ‘
શેઠનો પરિવાર સામે ગોઠવાયો. વજુ, મનહર અને શાંતાભાભીને અંદર જેમ – તેમ બેસાડ્યાં.
મારો પહેલો જ કાર્યક્રમ હતો. હું ઉપરથી સ્વસ્થ રહેવાનો દેખાવ કરતો, પણ છાતી ધકધક થતી હતી. મને થતું હતું : હમણાં પડદો ખૂલશે. કાર્યક્રમ શરૂ થશે.
એક પછી એકના વારા આવશે. મારું નામ લાખાભાઈ જાહેર કરશે. હું માઈક સામે બેસીશ. પછી ? પછી’ની કલ્પના કરતાં હું મૂંઝાતો અને પાણી પી આવતો, છતાં ગળું સુકાવા લાગતું. પરસેવો વળવા માંડતો. બેત્રણ વાર થયું : બધું મૂકીને ભાગી જાઉં અને ગાડીમાં બેસી થાન રવાના થાઉં.
કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો હતો. એક પછી એક કલાકારો રજૂઆત કર્યે જતા હતા. પ્રાણભાઈએ ‘ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થાવું શરૂ કર્યું. લાખાભાઈને ઇશારો કરી આના પછી મારો વારો છે એમ મને જણાવી દીધું. અચાનક મેં તમામ નિર્બળ વિચારો ખંખેરી નાખ્યા. સાચા હૃદયથી અલ્લાહની ઈબાદત કરી : યા ખુદા, તેં હાસ્યની અણમોલ ભેટ આપી મને હાસ્યકાર બનાવ્યો છે. હવે તું મને સંભાળી લેજે. ’ એ જ ક્ષણે સમસ્યા હલ કરવાના સંકલ્પો, સંઘર્ષો – બધી ગડમથલ શમી ગઈ. મારી ‘ શરણાગતિ’એ મને મારગ બતાવ્યો.
મેં ‘બુઝ ગયા દીપક મગર રોશની તો રહ ગઈ’ થી કાર્યક્રમની શરૂઆત કરી. ભત્રીજો પ્રેમમાં પડ્યો તેની વાત કરી. લોકોએ દાદ આપી. મારો ઉત્સાહ વધ્યો, થોડો આત્મવિશ્વાસ પણ આવ્યો. મેં ‘માસ્તરોનું બહારવટું ‘ રજૂ કર્યું અને તરત જ ‘લાભુ મેરઈ’ની વાત માંડી. લોકો ખડખડાટ હસ્યા. મારો સમય પૂરો થયો.
ઇન્ટરવલ પડ્યો. પૂ. સવિતાદીદી અને ડૉ. ચૂડગરસાહેબ મળ્યાં. ડૉ. ચૂડગરસાહેબ કહે , ‘ રંગ રાખ્યો, માસ્તર ! ‘ અન્ય મહાનુભાવોએ અભિનંદન આપ્યાં. ઇન્ટરવલ પછીના કાર્યક્રમમાં મારે ફરી વાર બોલવાનું આવ્યું અને એમાં ‘વનેચંદના વરઘોડા’ની વાત કરી , પણ મને પોતાને કલ્પના નહોતી કે લોકો આટલા બધા દાંત કાઢશે.
ક્યારેક તો હું લોકોનું હસવું બંધ થાય તો બોલું ’ એમ વિચારીને અટકી જતો. ઘોડો, વરરાજા, બૅંડવાજાં, ફ્લેકું, મોટરનો પ્રવાસ, ઉતારો, ભોજન, લગન – વાત શરૂ થઈ અને હું સામેનાં પ્રેક્ષકોને ભૂલી આખી વાતનું ચિત્ર સ્મૃતિમાં જોવા લાગ્યો. એ દૃશ્ય જોઈને વર્ણન કરતો હોઉં એમ હું બોલ્યે જતો હતો. લોકો હસતા જતા હતા. વનેચંદના વરઘોડાનું વર્ણન કરવામાં હું સ્થળ, સમય અને સ્વયંને ભૂલી ગયો. થોડી ક્ષણોમાં તો માત્ર વાત જ ચાલુ રહી, વાત કરનાર વક્તાનું જાણે અસ્તિત્વ જ ન રહ્યું. “અહંનું વિસર્જન થાય છે ત્યારે જ સર્જન થાય છે.”
કાર્યક્રમ પૂરો થયો. રાતે અમે પાછા શેઠને બંગલે આવ્યા. મેં ધીરેથી વજુને કીધું, ‘ ભૂખ લાગી છે. ’
વજુ કહે, ‘ મૂંગો રહે. સવારે તને ધરાય ત્યાં સુધી ખવરાવીશ. અત્યારે જાળવ્યો જા.
મેં કહ્યું, ‘ ઠીક, તો પછી સવારે વાત. ‘
પણ અમારા આશ્ચર્ય વચ્ચે મૂકેશ આવ્યો અને કહ્યું, ‘ બાપુજી ડિનર ટેબલ પર તમને બંનેને બોલાવે છે.’ અમે ગયા. ટેબલ પર નાસ્તો તૈયાર હતો. હું એક નહિ, બધાં ફરીથી જમ્યાં. હું સંકોચમાં હતો, પણ શેઠે શેઠાણીને કહ્યું, ‘ આ જો , અસલ કાઠિયાવાડી મહેમાન જમ્યા પછી આગ્રહ કરો ને તોપણ બેત્રણ લાડવા કે આઠદસ પેંડા તો જરૂર ખાઈ જાય.’
શેઠાણીએ વિરોધ કર્યો. શેઠે પેંડાની બરણી મારા તરફ હડસેલી અને કહ્યું, ‘ મે’માન , ખાઈ જાવ. ’
મેં કહ્યું, ‘ શેઠ, અમે પાળિયા થઈ જઈએ, પણ કોઈનું વેણ ન જાવા દઈએ. હવે તો આપની આબરૂ એ મારી આબરૂ. ’ હું દસેક પેંડા ખાઈ ગયો. શેઠનો ચહેરો ખીલી ઊઠ્યો. હું પણ રાજી થયો. શેઠાણીને માત્ર નવાઈ લાગી. વજુને તો પ્રથમથી વિશ્વાસ હતો જ.
બીજે દિવસે શેઠે મારા રીઝર્વેશનની વ્યવસ્થા કરાવી. સાથે ડબ્બામાં ભાતું બંધાવ્યું, એક વૉટરબૅગ આપી અને મને ભાવભીની વિદાય આપી.
વજુ સ્ટેશને મૂકવા આવ્યો. એસ. ફોરમાં ચોપન નંબરની સીટ ગોતીને મને બેસાડી દીધો. રાત પડે એટલે આ જગ્યા પર સૂઈ જજે, એવી સૂચના આપી વજુ નીચે ઊતરી ગયો. ૮-૨૦નો સમય થયો. સૌરાષ્ટ્ર મેલ ઊપડ્યો. વજુએ હાથ હલાવ્યો, એ કાંઈ બોલ્યો નહિ, પણ એની આંખોમાં આંસુ હતાં. મારી આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયાં.
આવ્યો હતો એ હું અને અત્યારે પાછો ફરનાર હું બંને જાણે જુદા હતા.
✍ શાહબુદ્દીન રાઠોડ
🌺 શાહબુદ્દીન રાઠોડનાં પુસ્તકો 🌺 | ||
મારે ક્યાં લખવું હતુ? | ||
હસતાં-હસાવતાં | ||
અણમોલ આતિથ્ય | ||
સજ્જન મિત્રોનાં સંગાથે | ||
દુ:ખી થવાની કળા | ||
શૉ મસ્ટ ગો ઓન | ||
લાખ રુપિયાની વાત | ||
દેવુ તો મર્દ કરે | ||
હાસ્યનો વરઘોડો | ||
અમે મહેફીલ જમાવી છે | ||
સબસે ઊંચી પ્રેમસગાઈ | ||
વાહ દોસ્ત વાહ | ||
મારો ગધેડો ક્યાંય દેખાય છે ? | ||
दर्पण जुठ न बोले (हिन्दी) |
Post a Comment